Sunday, September 4, 2011

સામાયિક-પ્રતિક્રમણ-ઉપવાસ-નવકાર

સામાયિક :
સામાયિક કરવી એટલે પોતે પોતાની જોડે વાતો કરવી. સામાયિક ની શરૂઆત, પોતાની અંદર બિરાજેલા અંતરાત્મા/ભગવાનની સ્થાપના કરીને, પોતાના માં રહેલા કોઈ એક દોષ ની સામે યુધ્ધે ચઢવાની ક્રિયા છે. એ દોષ ની ગાંઠ પોતાનામાં કેવી ઘર કરી ગયી છે તે દેખવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કરવી તે કોઈ પરાક્રમીઓ જ કરી શકે છે. હા, એક જગ્યા એ મૌન બેસીને સમય પસાર કરનારા "ઢોંગી" હજારો મળશે. પણ તે ક્રિયા પછી એક એક દોષનું આવરણ ઓછું કરતા હોય તેવા કોઈ પરાક્રમી ને જ છાજે તેવી તે ક્રિયા છે.
પ્રતિક્રમણ:
સામાયિક ની પ્રક્રિયા દરમ્યાન, પોતાનામાં રહેલા કોઈ એક દોષની ચલ ચલગત ખબર પડે છે અને પ્રતિક્રમણ દરમ્યાન તે પોતાના દોષ ની અડફેટે આવી ગયેલા વ્યક્તિઓ /જીવો ને પોતે શી હાની પહોચાડી છે તેની જાણ થાય છે. તેવા તમામ વ્યક્તિઓ અને જીવો ને યાદ કરીને, પોતાના અંતરાત્મા/ભગવાનની સાક્ષીએ, તેઓની માફી માંગવાની વાત છે. આ પ્રક્રિયા દરમ્યાન પોતાનાજ અહંકારને નાથીનેય માફી માંગવાની હોવાથી કોઈ ભડવીર ને છાજે તેવું તે કાર્ય બની રહે છે. તેની પરાકાષ્ઠાએ તે તમામ દોષોને જોઈને, તમારા આંખની કિનાર ભીની થયી હોય તેવું બની શકે છે.

સંવત્સરી -પ્રતિક્રમણ 
આજે સૌ ક્ષત્રિય,તીર્થંકરોના પથ પર ચઢેલા, સૌ કોઈનો માહ્યેલો વિફરશે અને એક એક "દુશ્મનો" ના અત્યાચારને બોચી જાલી પછાડશે, અને થશે સ્થળ પર જ હાજર ન્યાય. ના કોઈ મુદ્દત, ના કોઈ સુનવાઈ. સીધાજ ચુકાદા... અને સાંજ પડે તે સૌ, એ કોર્ટના એવોર્ડ બજાવવા આવશે...
"મિચ્છા મી દૃષ્ટકૃતમ...(મારા સર્વે દૃષ્ટ કૃત્યો ને માફ કરશો !)"

આજે સંવ્સરી,
હથિયારો ને હેઠા મૂકી પોતાની સામે જ ખટલો માંડવાનો દિવસ. સૌના માહેલાની જીત હોજો...



ઉપવાસ :
ઉપવાસ નો અર્થ થાય છે પોતાના અંતરાત્મા/ભગવાન સાથે વાસ કરવો. જે પોતાના ભગવાનની પ્રાપ્તિ કરેલ જ્ઞાની વ્યક્તિ સિવાય શક્ય નથી. ક્ષણે ક્ષણે તે પોતાની સાથે વાત કરી શકતો હોય છે. તે તેની રમણતામાં ખોવાઈ જાય છે તેને બહારની ક્રિયાઓ સાથે કોઈ નિસ્બત રહેતો નથી. શારીરિક ક્રિયાઓ તેના માટે ગૌણ બની જાય છે. તે બસ, પોતાના ભગવાનની સાથે એટલા લીન થયી જાય છે કે આઈ(હું) અને માય (મારું) નો ભેદ રહેતો નથી.
નવકાર :
સમગ્ર સૃષ્ટી માં કેટલાય વ્યક્તિઓ એ જ્ઞાનના રસ્તા બતાવ્યા છે, બતાવે છે અને બતાવતા રહેશે. અગણિત લોકો તે રસ્તે ચાલે છે અને ચાલતા રહેશે. એ તમામના ગુણો ને યાદ કરી તે સમુહો ને નમસ્કાર કરી આદર આપવાની વાત છે. કેટલાય વ્યક્તિઓ એ આપણને રસ્તા બતાવવા, પોતાની તમામ કોશિશ કરી ને તેમના અનુભવો નો થાળ આપણને પીરસ્યો છે. એ હજાર રશોઈં તૈયાર કરી આપનારાઓનો આભાર માનવાની ક્રિયા છે. આ આવીજ વ્યક્તિઓ કરી શકે કે જે આ રસ્તાઓને પામવા ભક્તિ કરી રહ્યો છે.




આ ચાર ક્રિયામાટે મેં જૈન ધર્મમાં પ્રચલિત શબ્દો નો ઉપયોગ કરેલ છે પણ તે ક્રિયા જૈન ધર્મની મોનોપોલી નથી. તીર્થંકરોએ કહેલી વાતો ને ફોલો કરનારાઓ નો, પછી એક સમૂહ બન્યો જે જૈન ધર્મ ના નામથી ઓળખાય છે.તીર્થંકરો કોઈ સમૂહ ના હતા નહિ અને હોઈ ના સકે. આ પ્રક્રિયા તમામ તત્વ ના મુમુક્ષુઓ માટે સરખી જ હોય છે. ગમે તે ધર્મ હોય. દરેક ધર્મમાં આ પ્રક્રિયાઓ છે જ ...નામ અલગ અલગ હોય છે. હા ભક્તો ઘેલા હોય અને ઘેલી ઘેલી વાતો કરીને ભગવાનનેય વાડામાં પૂરી દે તેવું બનતું હોય છે.

No comments:

Post a Comment