મને મોક્ષ ઉછીનો આપો

હું એક અલગારી જીવ છું.

સન ૨૦૦૯ માં દુબઈ થી આવ્યા બાદ મહદ અંશે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધેલો હતો.
પણ, નિવૃત્તિ એટલે શું?
આટ-આટલા વર્ષો જિંદગીના જીવી નાખ્યા હોય, પછી નિવૃત્તિ કેવા પ્રકારની હશે તેનો મારે એક અનુભવ લેવો હતો. વળી,ઘણા સમયથી જ્ઞાન લીધા પછી, સામાયિક નહોતું કરી શક્યો, તે બાકી રહેલું હોમ-વર્ક પણ પૂરું કરવું હતું.  બસ,શરુ કરી દીધું. પોતાની જાતને જ અવલોકનમાં મૂકી ને, સવાર સાંજ,

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરીને આવતા,

ક્ષણે ક્ષણે સ્ફૂર્રતા વિચારોને ઓળખવાનું,

જાણવાનું, માણવાનું

અને સમજવાનું.

આ આખી પ્રક્રિયા દરમ્યાન મેં મારી સાથે ચાલુ કરેલી વાતચીતો  અને તેનો એક પધ્ધતિસર (નીરુમાં અને પૂજ્ય-શ્રી દીપકભાઈએ દર્શાવેલ)  અભ્યાસ કર્યો. આ અભ્યાસ એટલે, મારી, મારી સાથેની જ લડાઈ અને દરેક વખતે મારી અંદર બેઠેલા દાદા ભગવાને મને જે રસ્તો દેખાડ્યો, સુઝાડ્યો તે મુજબ હું મારી જાતને મઠારતો, ઠપકારતો ગયો.

હા , આ "દાદા ભગવાન" પણ એજ હતા જે મુન્નાભાઈ ને "ગાંધીજી" તરીકે  મળેલા.
હા, તે પણ એક પ્રકારનો કેમિકલ લોચો જ હતો. અને તે કેમીકલ લોચામાંથી જે સર્જાયું તે જ આ " મને મોક્ષ ઉછીનો આપો"

શરૂઆતમાં મેં એને નોવેલ નું રૂપ આપવાનું વિચાર્યું નહોતું. બસ સાહજીકરીતે મને-વિપુલને સવાલો થતા અને અંદર બેઠેલો દાદો એના જવાબ આપતો. એ "દાદો" થોડોક વિચિત્ર ખોપડીનો અને ફરેલો હતો. નીરુમાં-પૂજ્ય શ્રી, જે વાતો દાદાની કરતા તે વાતો અને દાદાવાણી તથા આપ્તવાણી ના વાંચનની એમાં ઊંડી છાપ તો હતી જ. વળી, વિપુલે અત્યાર સુધીની વાંચન યાત્રા માં વાંચેલા લગભગ ૩૦૦-૪૦૦ પુસ્તકોની અસર પણ પહેલીથી ત્યાં હાજર હતી જ.

નાનપણ થી અત્યાર સુધી વિપુલે ખુબ વાંચન કરેલું. વાંચન માટે કોઈ એક વિષય પ્રિય  હોય એવું હતું નહિ. જે આવ્યું તે વાંચી નાખતો. તેમાં ધાર્મિક પુસ્તકો રામાયણ કે મહાભારત કે ગીતા કે જૈન કે બૌદ્ધ કે ઓશો શાહિત્ય હોય કે વિજ્ઞાન ને લગતા પુસ્તક હોય કે ફિલ્મી કે સંગીત સ્ટોરી કે જીવન જીવવા માટેના પ્રેરણાદાયી પુસ્તક હોય બધામાં એને રશ પડતો. તે દરેક પુસ્તકમાંથી અમુક તમુક પાત્રો, અમુક તમુક પ્રશ્ન્ગો કે સંવાદોએ એના માનશીક સ્તર પર પોતપોતાની છાપ છોડી હતી. એ તમામ છાપો પર, પછી આ કેમિકલ લોચાવાળો દાદો ફરી વળેલો.

નીરુમાં પાસેથી જ્ઞાન મળ્યા પછી, જીવન ને જોવાની નવી દ્રષ્ટી વિપુલને મળેલી અને એ દ્રષ્ટીથી પછી જોયેલું જીવન એટલે આ "મને મોક્ષ ઉછીનો આપો". આ દ્રષ્ટી મળતા, આ દાદા જ્યારથી વિપુલની અંદર બેઠા ત્યારથી, વિપુલની સમગ્ર વૈચારિક સ્થિતિ પર એક બુલડોઝર ફરી વળેલું.  દાદાએ વિપુલની માન્યતાઓ અને ગ્રંથીઓ પર સટાસટ તલવારો ફેરવવા માંડેલી. ધીરે ધીરે, એ દાદા એ વિપુલનું સમગ્ર જરી પુરાણું માળખું જમીનદોસ્ત કરી નાખ્યું. એ માળખું જયારે જમીનદોસ્ત થતું હતું ત્યારે  વિપુલ ખુદ એનો સાક્ષી હતો. અને એ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે બની તેની રૂપરેખા એટલે આ મને મોક્ષ ઉછીનો આપો.